એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ભારતીય મહિલા હોકી ટીમ અને ચીનની મહિલા હોકી ટીમ વચ્ચે રમાઈ હતી. બિહારના રાજગીર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી અને ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો. સલીમા ટેટેના નેતૃત્વમાં ભારતીય ટીમે આ મેચમાં ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચમાં દીપિકા એકમાત્ર ગોલ કરીને ભારતીય ટીમની જીતની હીરો રહી હતી.
ભારત અને ચીન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ બે ક્વાર્ટર ગોલ રહિત રહ્યા હતા એટલે કે હાફ ટાઈમ સુધી કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી. પ્રથમ હાફમાં ભારતને ચાર પેનલ્ટી કોર્નર મળ્યા જ્યારે ચીનને બે પેનલ્ટી કોર્નર મળ્યા. જોકે, બંને ટીમો તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી. આ પછી ભારતની દીપિકા ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ગોલ કરવામાં સફળ રહી હતી.
આ મેચ પહેલા ચીનની ટીમ ભારતીય ટીમ કરતા હેડ ટુ હેડ આંકડામાં ઘણી આગળ હતી. પરંતુ ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. આ મેચમાં ભારતે તેની તમામ મેચ જીતીને ટાઈટલ પર કબજો કર્યો હતો. ભારતીય ટીમે સેમી ફાઇનલમાં જાપાન સામે 3-0થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય લીગ સ્ટેજ દરમિયાન પણ ચીન ભારત સામે 3-0થી હારી ગયું હતું.
આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ભારતે 2016 અને 2023માં પણ જીત મેળવી હતી. 2016માં પણ ભારતે ફાઇનલમાં ચીનને હરાવ્યું હતું અને 2023માં ભારતે જાપાનને હરાવ્યું હતું.
આ ટૂર્નામેન્ટ પહેલા સલીમા ટેટને ભારતીય ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી. સુકાની તરીકેની પ્રથમ ટુર્નામેન્ટ સલીમા ટેટે માટે ખૂબ જ સફળ રહી હતી અને તે ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ મેચમાં ચીને ગોલ કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક પણ ગોલ કરી શકી નહોતી. (તમામ ફોટો ક્રેડિટઃ પીટીઆઈ)