રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં સાહસિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના મનોરંજન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ સાપુતારા ખાતે આવેલા સહ્યાદ્રી એડવેન્ચર પાર્કને સલામતીના નિયમો સાથે સાહસિક પ્રવૃત્તિઓ કરવાની છૂટ છે.
સરકારે આ મંજૂરી આપતા પહેલા સુરક્ષાના તમામ પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરી છે. એડવેન્ચર પાર્કમાં સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં સાહસનો આનંદ માણી શકે. આ નિર્ણયથી સાપુતારામાં આવતા પ્રવાસીઓ માટે એક નવા સારા સમાચાર આવ્યા છે. હવે તેઓ દિવાળીના તહેવાર દરમિયાન સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશે અને સ્થાનિક લોકોને રોજગારી મળવાની પણ આશા છે.
સાપુતારાના ઠંડા પવનો અને હરિયાળી વચ્ચે એડવેન્ચર એક્ટિવિટી એક અનોખો અનુભવ હશે. એડવેન્ચર એક્ટિવિટી મેનેજર ગીરીભાત સાપુતારામાં આવતા પ્રવાસીઓને અપીલ કરે છે કે એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન જવાનોએ સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
સાપુતારામાં સાહસિક પ્રવૃતિઓને મળેલી મંજૂરીથી સાપુતારાના પ્રવાસન ક્ષેત્રે નવી આશાનો સંચાર થયો છે. આ નિર્ણયથી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.
રાજ્ય સરકાર દ્વારા સાહસિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે, જે એક આવકારદાયક નિર્ણય છે પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સાપુતારામાં લાંબા સમયથી બંધ કરાયેલા બોટિંગ અને રોપ-વેને શક્ય તેટલી વહેલી તકે સલામતીના ધોરણો સાથે ફરીથી ખોલવામાં આવશે.