સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની મેચ 27 નવેમ્બર, બુધવારે ગુજરાત અને ત્રિપુરા વચ્ચે રમાઈ હતી. ગુજરાતે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. ગુજરાતની આ જીતમાં 26 વર્ષના બેટ્સમેન ઉર્વીલ પટેલે ઈતિહાસ રચ્યો છે. તેણે T20 ફોર્મેટમાં 28 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી છે.
ઓપનિંગ કરવા આવેલા ઉર્વિલ પટેલે આ મેચમાં 35 બોલમાં 322ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 113 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 12 સિક્સર ફટકારી હતી. તો ચાલો જાણીએ કોણ છે ઉર્વીલ પટેલ જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ઉર્વીલ પટેલનો જન્મ 17 ઓક્ટોબર 1988ના રોજ ગુજરાતના મહેસાણામાં થયો હતો. ઉર્વીલ પટેલે 2017-18 ઝોનલ T20 લીગમાં બરોડા માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું. 2018-19 રણજી ટ્રોફી સીઝન પહેલા, ઉર્વીલ પટેલ બરોડા છોડીને ગુજરાત ટીમમાં સ્થાનાંતરિત થયો.
તમને જણાવી દઈએ કે ઉર્વિલ વિકેટકીપર બેટ્સમેન છે. IPL 2023ની હરાજીમાં તેને ગુજરાત ટાઇટન્સે રૂ. 20 લાખમાં ખરીદ્યો હતો પરંતુ હવે ઉર્વીલ પટેલ IPL 2025ની મેગા હરાજીમાં વેચાયો નથી. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી.
ઉર્વિલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા પંતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 32 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.